શ્રી મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
અમદાવાદ – ગ્રામ્ય (DIET)
સંસ્થા પરિચય
19 મી સદીના અમદાવાદમાં ગુજરાતનું સૌપ્રથમ સ્ત્રી અધ્યાપન મંદિર સ્થપાયું હતું. કન્યા કેળવણીના વિકાસ માટે શિક્ષિકાઓ તૈયાર કરવા માટે સૌપ્રથમ ઈ.સ. 1870 માં ફિમેલ નોર્મલ સ્કૂલ શરૂ કરવામાં આવી. એક વર્ષ બાદ ઈ.સ. 1871 માં આ સંસ્થા ફિમેલ ટ્રેનિંગ સ્કૂલ બની. ત્રણ વર્ષ બાદ તા. 21/8/1874 માં આ સંસ્થા ફિમેલ ટ્રેનિંગ કૉલેજ તરીકે ઓળખાવા લાગી.
સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને સમાજ સુધારક શ્રી બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ રૂ.10,000/-નું દાન આપી પોતાની પુત્રી મહાલક્ષ્મીનું નામ આ સંસ્થા સાથે જોડ્યું અને આ સંસ્થાનું નામ ‘શ્રી મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ ફોર વિમેન’ તરીકે નામાભિધાન થયું. આમ, રાયખડમાં ખમાસા ચાર રસ્તા પાસે ઉપયુક્ત સંસ્થાની સુંદર ઇમારત અસ્તિત્વમાં આવી.
આ સંસ્થાના પ્રથમ આચાર્ય (લેડી સુપ્રિન્ટેન્ડન્ટ) કુમારી ચેમ્બરલેન હતા. આ સંસ્થા સતત વિકસતી રહી, ફૂલી ફાલીને વિશાળ વટવૃક્ષ સમાન બની રહી છે અને હવે આ સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના નામે ઓળખાય છે.
શિક્ષણના સાર્વત્રિકરણની સાથે સાથે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે 1986 ની નવી શિક્ષણ નીતિના અનુસંધાને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની સ્થાપના કરવા અંગે વિચારાયેલું. જેમાં પ્રથમ તબક્કે ગુજરાત રાજ્યમાં GCERT દ્વારા સાત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની સ્થાપના થઈ અને બીજા તબક્કે છ ભવનોની સ્થાપના કરવામાં આવી.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદની સ્થાપના બીજા તબક્કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક નં. જશ/1294/2953, તા. 17/12/94 અન્વયે ‘મહાલક્ષ્મી સ્ત્રી અધ્યાપન મંદિર’ અપગ્રેડ થતાં ‘જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન’ના નામે ઓળખાતું હતું. ત્યારબાદ દાતાશ્રી બેચરદાસ અંબાઈદાસના વારસદારોની રજૂઆત માન્ય રાખી, હાલ આ સંસ્થા ‘શ્રી મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન’ના નામે ઓળખાય છે.
આ સંસ્થાના ભવનનું રિનોવેશન કરી, તા. 16/11/07 ના રોજ કુંભ સ્થાપના કરી સંસ્થાના નવનિર્મિત ભવનમાં પ્રસ્થાન કરવામાં આવ્યું. સંસ્થાનો પ્લૉટ એરિયા 13,877.16 ચો.મી., બાંધકામ એરિયા 1,966.50 ચો.મી. અને ખુલ્લી જગ્યા 11,910.66 ચો.મી.માં વિસ્તરેલ છે. નવા મકાન તથા હૉસ્ટેલનું ઉદ્ઘાટન GCERT ના માનનીય નિયામક શ્રી એમ.એન.શાહ સાહેબના વરદ્હસ્તે તા. 28/12/07 ના રોજ કરવામાં આવ્યું. હાલમાં પ્રાચાર્ય ડો. અખિલભાઈ ઠાકર તા. 05/02/2026 થી માર્ગદર્શન કરી રહેલ છે.
ડાયટના હેતુઓ
- જિલ્લા શિક્ષકોને તાલીમ આપી શિક્ષણના નૂતન પ્રવાહોથી વાકેફ કરવા.
- શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવું.
- શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા સાથે સાયુજ્ય સ્થાપી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તાનું ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કરવા.
- સંદર્ભ સાહિત્યનું નિર્માણ કરવું.
- જિલ્લામાં વિજ્ઞાન મેળાઓ તેમજ શૈક્ષણિક જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરી શૈક્ષણિક સ્પર્ધાત્મકતાનો વિકાસ કરવો.
- જિલ્લાના અધ્યાપન મંદિરોના પ્રાધ્યાપકોના શિક્ષણના નૂતન પ્રવાહો અંગે તાલીમ આપી સજ્જ કરવા.
- શૈક્ષણિક સંશોધનો હાથ ધરી શૈક્ષણિક જરૂરિયાત તારવીને તે પ્રકારની તાલીમનું આયોજન કરવું.
- જિલ્લામાં આવેલ બિનસરકારી અને અવૈધિક શિક્ષણ સંસ્થાઓ સાથે સંકલન સાધી અવારનવાર તેમને શૈક્ષણિક માર્ગદર્શન આપવું.
ડાયટના કાર્યો
- પૂર્વ સેવા શિક્ષક તાલીમ અને સેવાકાલીન તાલીમ કાર્યક્રમ કરવા.
- તાલુકા સ્તરે કેળવણી નિરીક્ષકો, આચાર્યો તથા રિસોર્સ પર્સનને તેમની કામગીરીમાં મદદ મળે તે માટે આયોજન અને વ્યવસ્થાપન અંગેના તાલીમ કાર્યક્રમો અને શિબિરોનું આયોજન.
- શિક્ષણના નવીન પ્રવાહોથી શિક્ષકને માહિતગાર કરવા અને તજ્જ્ઞોને તાલીમ આપવી.
- શૈક્ષણિક સાધન નિર્માણ, સાહિત્ય નિર્માણ, દ્રશ્ય-શ્રાવ્ય સાધનનો ઉપયોગ વગેરે અંગે સજ્જતા વધારવા કાર્યશિબિરનું આયોજન કરવું.
- શૈક્ષણિક સાધનોનું કાયમી ધોરણે પ્રદર્શન ગોઠવવું.
- શાળાઓને દત્તક લેવી અને તેને માર્ગદર્શન આપી શૈક્ષણિક ગુણવત્તા વધારવી.
- GCERT દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૂચવાયેલ શિક્ષણ નીતિનો અમલ કરવો.
- CRC, BRC, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળાનું આયોજન કરવું.
- નૅશનલ સાયન્સ સેમિનાર અને વેસ્ટર્ન ઇન્ડિયા સાયન્સ સેમિનારનું આયોજન કરવું.
- પર્યાવરણ શિક્ષણ અને તેની જાળવણીના કાર્યક્રમો આયોજન કરી તેને વેગ આપવો.
- વિવિધ કળાઓ પ્રત્યે રસ જાગૃત કરવા માટે નવ-સંસ્કરણ તાલીમ કાર્યક્રમ યોજવા.
- શૈક્ષણિક સંશોધન દ્વારા મળેલ તારણોને આધારે જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટેના કાર્યક્રમનું આયોજન કરવું.
- જિલ્લાના BRC અને CRC કો-ઓર્ડિનેટરને વિવિધ પ્રકારની તાલીમ પૂરી પાડવી.
- જિલ્લામાં બાળ મેળા યોજવા. તેમજ રમતોત્સવ અને પ્રવેશોત્સવના કાર્યક્રમો ગોઠવવા, યોગ શિક્ષણ આપવું.
- BRC અને CRC કક્ષાએ જિલ્લા તથા ઝોન કક્ષાના ઇનોવેશન ફૅર યોજવા.
- શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિઓનું આયોજન તથા અમલીકરણ કરવું.
- જિલ્લાના તમામ PTC સંસ્થાનું પૅનલ નિરીક્ષણ તથા પ્રાયોગિક પરીક્ષા લેવી.
- Educational Counseling અને Guidance સેન્ટરની સ્થાપના કરવી.
- NEP-2020 મુજબ તાલીમ, Foundational Learning and Numeracy (FLN) તાલીમ વર્ગો યોજવા.
- GAS/NAS/PARAKH જેવા શૈક્ષણિક સર્વેનું જિલ્લામાં આયોજન અને અમલીકરણ કરવું.
- Need Based, Area Based તથા Research Based તાલીમ કાર્યક્રમો યોજવા.
ડાયટની શાખાઓ
- પૂર્વ સેવા શિક્ષક પ્રશિક્ષણ શાખા (PSTE)
- સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને સંકલન શાખા (IFIC)
- પાઠ્યક્રમ સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન શાખા (CMDE)
- શૈક્ષણિક તકનીકી શાખા (ET)
- કાર્યાનુભવ શાખા (WE)
- આયોજન અને વ્યવસ્થાપન શાખા (P & M)
કાર્યક્રમ સલાહકાર સમિતિ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક જશ: 12/2013/891335/સચિવાલય, ગાંધીનગર, તા. 15/1/2014 અન્વયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ ગ્રામ્ય ખાતે કાર્યક્રમ સલાહકાર સમિતિની પુન:રચના કરવામાં આવેલ છે. પ્રવૃત્તિઓના માર્ગદર્શન તથા સલાહ સૂચનો મેળવવા માટે વર્ષમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવે છે.
સમિતિના સભ્યો
- માનનીય કલેક્ટરશ્રી – અધ્યક્ષ
- માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી – ઉપાધ્યક્ષ
- ડાયટ પ્રાચાર્યશ્રી – કન્વીનર
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
- પ્રતિનિધિ – GCERT
- સિનિયર લેક્ચરર – ડાયટ
- શાળાના આચાર્ય
- પ્રતિનિધિ – Tribal Welfare, Social Welfare, Minority Welfare, Women & Child Welfare Department
- BRC કો-ઓર્ડિનેટર
- CRC કો-ઓર્ડિનેટર
- Ed. કૉલેજ
- પ્રિન્સિપાલ – ગુજરાત વિદ્યાપીઠ
- પ્રિન્સિપાલ – A.G. ટીચર્સ કૉલેજ
- NGO – અંધજન મંડળ, વસ્ત્રાપુર
- વિદ્યાર્થિનીઓ – 2
Screen Reader Access